ગુજરાતટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ બનાવવામાં ‘ગુજરાત’ મહત્વની ભૂમિકા અદા કરશે

  • મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન ત્રિદિવસીય સમિટનો શુભારંભ
    • હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સને વૈશ્વિક ઓળખ આપવા વિશેષ ‘આયુષ માર્ક’ તથા ‘આયુષ પાર્ક’ બનશે
    • છેલ્લાં 8 વર્ષમાં આયુષક્ષેત્ર ત્રણ બિલિયન ડોલરથી વધીને 18 બિલિયન ડોલરથી વધુનું થયું
    • પ્રવાસનક્ષેત્રના વિકાસમાં પરંપરાગત દવાઓની સંભાવના ધ્યાને લઈ, ‘હીલ ઇન ઇન્ડિયા’ આ દાયકાની મોટી બ્રાન્ડ બનશે
    • ટ્રેડીશનલ દવાની વિવિધતાનો વારસો ટકાવી રાખવો તેના વિકાસ માટે ખુબ જ જરૂરી છે
  • • ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ બનાવવામાં “ગુજરાત” મહત્વની ભૂમિકા અદા કરશે
A special 'AYUSH Visa' category will be launched in India
PM મોદીએ ‘ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-2022’નો શુભારંભ કરાવ્યો

વિશ્વભરમાં ટ્રેડિશનલ મેડિસિનના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પરંપરાગત દવાઓમાં ઇનોવેશન, ઇન્વેસ્ટમેન્ટના સામર્થ્યને વધુ મજબૂત બનાવી આ ક્ષેત્રે નવા-નવા સ્ટાર્ટઅપ્સના માધ્યમ દ્વારા વિશ્વભરના દેશોને નવો રાહ ચીંધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના ઉદ્દ્ઘાટન પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, ભારત મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રે અન્ય દેશો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. આ ક્ષેત્રમાં પણ રોકાણની અનેક સંભાવનાઓ ઉભરી આવી છે. આજે જ્યારે ભારત આઝાદીના અમૃત વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આગામી 25 વર્ષનો અમૃતકાળ દુનિયાભરમાં પરંપરાગત દવાઓના ક્ષેત્રે ભારતનો સુવર્ણકાળ સાબિત થશે.PM મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી શરૂ થયેલી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનો વિચાર તેમને કોવિડના રોગચાળા સમયે આવ્યો હતો. જ્યારે આયુષે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવા માટે મજબૂત ટેકો પૂરો પાડ્યો હતો અને આયુષ ઉત્પાદનોની માંગમાં વધારો જોવા મળ્યો હતો. કોવિડની મહામારીને પહોંચી વળવા માટેના ભારતીય પ્રયાસોને યાદ કરતાં PMએ આધુનિક ફાર્મા કંપનીઓ અને રસી ઉત્પાદકો દ્વારા કરવામાં આવેલી કામગીરીની નોંધ લેતા કહ્યું કે જો ભારતીય ફાર્મા કંપનીઓને યોગ્ય સમયે રોકાણ મળ્યું તેના થકી જ આટલી ઝડપથી ભારતમાં જ કોરોનાની રસી વિકસાવી શકાઈ. નહીંતર, કોણ કલ્પના કરી શકે કે આપણે આટલી જલ્દી કોરોનાની રસી વિકસાવી શક્યા હોત? આયુષ સેક્ટર દ્વારા કરાયેલી પ્રગતિનું વર્ણન કરતા PMએ કહ્યું કે આપણે આયુષ દવાઓ, પૂરક સામગ્રી અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં પહેલેથી જ અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. વર્ષ ૨૦૧૪માં આયુષક્ષેત્ર ત્રણ બિલિયન ડોલરથી ઓછું હતું, આજે તે વધીને 18 બિલિયન ડોલરથી વધુ થઈ ગયું છે. તેમણે કહ્યું કે આયુષ મંત્રાલયે પરંપરાગત દવાઓના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે અનેક મોટા પગલા લીધા છે. થોડા દિવસ પહેલાં જ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ દ્વારા વિકસિત ઈન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

હિમાલય ઔષધિઓનો ખજાનોઃ PMએ ઉમેર્યું કે વર્તમાન યુગ એ ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટેનો સ્વર્ણિમ યુગ છે. જેના થકી અનેક યુનિકોર્ન મળ્યા છે. ત્યારે વર્ષ 2022માં જ ભારતમાંથી અત્યાર સુધીમાં 14 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ક્લબમાં જોડાયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આયુષ સ્ટાર્ટઅપ્સમાંથી પણ યુનિકોર્ન ખૂબ ટૂંક સમયમાં બહાર આવશે. તેમણે જણાવ્યું કે ઔષધીય વનસ્પતિઓનું ઉત્પાદન ખેડૂતોની આવક અને આજીવિકા વધારવાનું અને તેમાં રોજગાર સર્જનનો વ્યાપ વધારવાનું સારું માધ્યમ બની શકે છે. આ સાથે સંકળાયેલા ખેડૂતો માટે બજાર વ્યવસ્થા સાથે સરળતાથી જોડાવા માટેની સુવિધાના મહત્વ પર કેન્દ્ર સરકાર ભાર આપી રહી છે. આ માટે સરકાર આયુષ ઈ-માર્કેટ પ્લેસના આધુનિકીકરણ અને વિસ્તરણ પર પણ કામ કરી રહી છે. ભારત આયુર્વેદિક વનસ્પતિઓનો ખજાનો છે અને આ રીતે તે આપણું ‘ગ્રીન ગોલ્ડ’ છે. તેમણે સંસ્કૃત સુભાષિતનો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘अमंत्रम् अक्षरं नास्ति नास्ति मूलमनौषधम्’ એટલે કે કોઈ પણ અક્ષરથી મંત્ર શરૂ ન થતો હોય તેવું નથી, એ જ રીતે કોઈ પણ વનસ્પતિ ઔષધિ ન હોય એવું નથી. આ દૃષ્ટિએ હિમાલય ઔષધિઓનો ખજાનો છે. ભારતમાં ઉપલબ્ધ આયુષ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ગત વર્ષોમાં કેન્દ્ર સરકારે અનેકવિધ નવતર પ્રયાસો કર્યા છે. તદુપરાંત, અન્ય દેશો સાથે આયુષ દવાઓની પરસ્પર માન્યતા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ દેશો સાથે ૫૦થી વધુ એમઓયુ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આપણા આયુષ નિષ્ણાતો બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ સાથે મળીને ISOના ધોરણો વિકસાવી રહ્યા છે. આનાથી આયુષ ઉતપાદનો માટે ૧૫૦થી વધુ દેશોમાં નિકાસની વિશાળ તકો અને વૈશ્વિક બજાર વ્યવસ્થા ઉપલબ્ધ થશે.

આયુષ પાર્ક થકી ભારતમાં આયુષ ઉત્પાદનોને નવી દિશા મળશે: PM મોદીએ ઉમેર્યું હતું કે FSSAIએ ગયા અઠવાડિયે તેના નિયમોમાં ‘આયુષ આહાર’ નામની નવી શ્રેણીની જાહેરાત પણ કરી છે. આનાથી હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સના ઉત્પાદકોને મોટા પ્રમાણમાં સુવિધા મળશે. આ જ રીતે, એક વિશેષ ‘આયુષ માર્ક’ બનાવવામાં આવનાર છે. આ ચિહ્ન ભારતમાં બનેલા ઉચ્ચતમ ગુણવત્તાવાળા આયુષ ઉત્પાદનો પર લગાવવામાં આવશે. આ આયુષ ચિહ્ન આધુનિક ટેકનોલોજીની જોગવાઈઓથી સજ્જ હશે. આ માર્ક થકી વિશ્વભરના લોકોને ગુણવત્તાયુક્ત આયુષ ઉત્પાદન હોવાનો વિશ્વાસ પ્રાપ્ત થશે.મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે દેશભરમાં આયુષ ઉત્પાદનોના પ્રમોશન, સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ પાર્કનું નેટવર્ક વિકસાવવામાં આવશે. આ આયુષ પાર્ક થકી ભારતમાં આયુષ ઉત્પાદનોને નવી દિશા મળશે.પારંપરિક દવાઓમાં રહેલી શક્યતાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કેરળના પ્રવાસનક્ષેત્રના વિકાસમાં પરંપરાગત દવાઓની ભૂમિકાની નોંધ લેતા કહ્યું કે આ સંભાવના ભારતના દરેક ખૂણામાં રહેલી છે. તેમણે જણાવ્યું કે ‘હીલ ઇન ઇન્ડિયા’ આ દાયકાની મોટી બ્રાન્ડ બની શકે છે. આયુર્વેદ, યુનાની, સિદ્ધ વગેરે પર આધારિત વેલનેસ સેન્ટરો ખૂબ જ લોકપ્રિય બની શકે તેમ છે. આયુષ ઉપચારનો લાભ લેવા ભારત આવવા માંગતા વિદેશી નાગરિકો માટે કેન્દ્ર સરકાર વધુ એક પહેલ કરી રહી છે – આજે ભારત મેડિકલ ટૂરિઝમ માટે વિશ્વના અન્ય દેશો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. તેને ધ્યાને લઈને આવનારા સમયમાં ભારતમાં એક વિશેષ ‘આયુષ વિઝા’ કેટેગરી પણ શરૂ કરવામાં આવશે તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ કેન્યાના ભૂતપૂર્વ વડાપ્રધાન, રાયલા ઓડિંગાનાં પુત્રી રોઝમેરી ઓડિંગાની આયુષ સારવાર પછી આંખોની રોશની પાછી મેળવવામાં આયુર્વેદિક સારવાર મહત્ત્વની પૂરવાર થઈ તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સમયે રોઝમેરી ઓડિંગા પણ પ્રેક્ષકોમાં હાજર હતાં અને વડાપ્રધાનશ્રીએ તેમનો પરિચય કરાવ્યો, ત્યારે તમામ ઉપસ્થિતોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતાં.

પરંપરાગત દવાઓના ક્ષેત્રે ભારતનો સુવર્ણકાળ સાબિત થશેઃ ભારત ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે પોતાના અનુભવો અને જ્ઞાનને સમગ્ર વિશ્વ સાથે વહેંચીને આગળ વધવા માંગે છે. તેમણે વિશ્વાસ અપાવતા કહ્યું કે આપણે સમગ્ર વિશ્વનાં દુ:ખ દૂર કરવા માટે કૃતસંકલ્પ છીએ.પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદની સમૃદ્ધિ પાછળનું એક મુખ્ય કારણ તેનું ઓપન સોર્સ મોડલ છે. આજે આઈટી સેક્ટરમાં ઓપનસોર્સ મૂવમેન્ટની બોલબાલા છે. આ જ રીતે આયુર્વેદ પરંપરા પણ જ્ઞાનના આદાનપ્રદાન થકી જ વધુ મજબૂત બની છે. આપણે પણ આપણા પૂર્વજો પાસેથી પ્રેરણા લઈને જ્ઞાનને અન્ય લોકો સાથે વહેંચી ઓપન સોર્સની ભાવના સાથે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો ઉલ્લેખ કરતાં તેમણે આશા વ્યક્ત કરી કે આગામી ૨૫ વર્ષનો અમૃતકાળ દુનિયાભરમાં પરંપરાગત દવાઓના ક્ષેત્રે ભારતનો સુવર્ણકાળ સાબિત થશે.

મોરેશિયસના PM પ્રવિન્દ જગન્નાથે કહ્યું હતુ કે, WHOના અંદાજ પ્રમાણે વિશ્વની 80 ટકા વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે. ભારત પરંપરાગત દવા પ્રણાલીમાંથી ઉદ્દભવતા ઉપચારની સત્તાવાર રીતે માન્યતા દર્શાવી રહ્યું છે. સામાજિક – સાંસ્કૃતિક પ્રથાઓ અને ટ્રેડીશનલ દવાની વિવિધતાનો વારસો ટકાવી રાખવો તેના વિકાસ માટે ખુબ જ જરૂરી છે.જામનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન-GCTMનું ભૂમિપૂજન સફળતાપૂર્વક સંપન્ન થયું તેના માટે ગુજરાતને અભિનંદન પાઠવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, COVID-19ની મહામારીના સમયગાળા દરમ્યાન ભારત દ્વારા મોરેસિયસને જે આયુર્વેદ ક્લિનિકની સુવિધાઓ પૂરી પાડી હતી તેના માટે તેઓએ ભારતના PM મોદી અને ભારતીયોનો આભાર માન્યો હતો . ભારત અને મોરેશિયસ ટ્રેડીશનલ મેડિસીનની ઉપયોગીતા વિશે સમાન મૂલ્યો ધરાવે છે. આ કાર્યક્રમના સુંદર આયોજન બદલ PM નરેન્દ્ર મોદી, આયુષ મંત્રાલય અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

WHO ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ આધનોમ ગેબ્રિયેસસે શું કહ્યું જાણો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ આધનોમે ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરીને લોકોના દિલ જીતી લીધા હતા. તેમણે પોતાનું સંબોધન શરૂ કરતા પહેલા પૂજ્ય ગાંધી બાપુને યાદ કર્યા હતા અને કહ્યું કે, મને મહાત્મા ગાંધીની ભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યુ છે. આ અવસરે તેમણે પ્રધાનમંત્રી મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.ટેડ્રોસ આધનોમે જણાવ્યું હતું કે, વિશ્વ એક પરિવાર છે ત્યારે આપણા સમાજને વિરાસતમાં મળેલા સ્વાસ્થ અંગેના જ્ઞાનથી તમામ લોકોને લાભાન્વિત કરવા જોઈએ. વિશ્વ આરોગ્ય સંગઠન તેનું પાલન પણ કરી રહ્યું છે.ટેડ્રોસ આધનોમે કહ્યું કે, અમે પરંપરાગત દવાઓ અંગે, તેના અમલીકરણ તેમજ ક્લિનિકલ ટ્રાયલ, વૈજ્ઞાનિક પુરાવા અને પદ્ધતિઓ પર ભાર મૂક્યો છે. આ વર્ષે આ ઉદ્યોગ 23 અજબ અમેરિકી ડોલર સુધી પહોંચી શકે છે.પરંપરાગત દવાઓ અંગેના ક્ષેત્ર વિશે વાત કરતા ટેડ્રોસે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રને આગળ લઈ જવા માટે મુખ્ય ત્રણ બાબતો ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. જેમાં પ્રથમ ઇનોવેશન ઇકોસિસ્ટમને ટેકો આપવા માટે લાંબા ગાળાના વ્યૂહાત્મક રોકાણની જરૂર છે. બીજું તેનો વિકાસ ટકાઉ રીતે થવો જોઈએ અને જે લોકો આમાં સહયોગી અને ભાગીદાર બન્યા છે તેમને પણ આ લાભ મળવો-આપવો જોઇએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન – WHO 75 વર્ષની થવા જઈ રહ્યું છે. ભારત પણ 75મો સ્વતંત્રની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે PM મોદીએ ગુજરાતમાં પરંપરાગત દવાઓ પર ‘એન્યુલ ગ્લોબલ મીટ’ નો પ્રસ્તાવ મૂક્યો હતો જેના માટે અમે સહમત પણ થયા છીએ અને આવતા વર્ષે પ્રથમ બેઠક પણ યોજાશે એમ તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ડો. ટેડ્રોસે જામનગરમાં WHOના સેન્ટર અંગે પણ માહિતી પૂરી પાડીને કહ્યું કે જામનગરમાં WHO સેન્ટર વિશ્વભરમાં પરંપરાગત દવાઓમાં ગુજરાતને અગ્રેસર બનાવશે.

આ ત્રિદિવસીય સમિટમાં લગભગ 90 પ્રતિષ્ઠિત વક્તાઓ અને 100 પ્રદર્શકોની હાજરી સાથે પાંચ પૂર્ણ સત્ર, 8 રાઉન્ડ ટેબલ, 6 વર્કશોપ અને બે સિમ્પોઝિયમ યોજાશે. આ સમિટ રોકાણની સંભાવનાઓને ઉજાગર કરવામાં મદદ કરશે અને નવીનતા, સંશોધન અને વિકાસ, સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ અને વેલનેસ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે. તે ઉદ્યોગના નેતાઓ અને વિદ્વાનોને એકસાથે લાવવામાં મદદ કરશે અને ભવિષ્યમાં સહયોગ માટે એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.આ પ્રસંગે PM મોદીના હસ્તે આયુષ એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, આયુષ મંત્રાલયની પુસ્તિકા, પોર્ટલ, આઇસીટી ઇનિશ્યેટિવ ઓફ મિનિસ્ટ્રી ઓફ આયુષ હેઠળ આયુષ ઇન્ફર્મેશન હબ, આયુષ GIS, આયુષ નેક્સ્ટ અને આયુષ સોફ્ટવેરનું લોન્ચિંગ કર્યુ હતું.

Back to top button