ગુજરાતટોપ ન્યૂઝનેશનલહેલ્થ

‘કોરોના વ્યવસ્થાપન અને રસીકરણનું ‘ભારત મોડલ’ અન્ય દેશો માટે અભ્યાસનો વિષય બન્યું’

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે ભારત સરકારની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની 14મી બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને 5થી7 મે દરમિયાન યોજાઈ રહેલી સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાં દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાતો સહભાગી બન્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી  મનસુખ માંડવિયાએ કહ્યું કે, પાંચ વર્ષમાં દેશના દરેક જિલ્લામાં આરોગ્ય સેવાઓ અને સુવિધાઓના વિકાસ માટે રૂ.64000 કરોડનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત પ્રયાસોથી “સ્વસ્થ ભારત”ના નિર્માણની પહેલ ત્રિદિવસીય ચિંતન શિબિરથી હાથ ધરવામાં આવી છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા

કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ શું કહ્યું જાણો 
કેન્દ્રીય આરોગ્ય મંત્રી  મનસુખ માંડવીયા એ ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરના પ્રારંભિક સેશનમાં કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત પ્રયાસથી સ્વસ્થ ભારતના નિર્માણ તરફની પહેલ આજે ચિંતન શિબિરમાં હાથ ધરવામાં આવી છે. ચિંતન શિબિરમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવેલા આરોગ્ય મંત્રી તેમજ આરોગ્ય અગ્રણીઓને આરોગ્ય વિષયક સેવાઓ – સુવિધાઓ પર પરસ્પર સુમેળ સાધીને રાજ્ય અને સમગ્ર દેશમાં આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ વ્યવસ્થાપનના વિચારોનું ચિંતન કરીને તેનું મંથન કરવા આહવાન કર્યુ હતુ.અગાઉ સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠકનું આયોજન દિલ્હીમાં થતું હતુ, તે પરંપરામાં બદલાવ લાવીને અને ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના આમંત્રણને માન આપીને એકતાનગરમાં પ્રથમ વખત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલાવની શરૂઆત છે, તેમ તેમણે કહ્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને અન્ય મહાનુભાવો

‘ટોકન નહીં, પરંતુ ટોટલ વિકાસ’ની વિચારધારા
આ પ્રકલ્પોમાં મેડિકલ કોલેજ ટર્શરી કેર સુવિધાઓ, અત્યાધુનિક લૅબ, તકનીકી સેવાઓ ઉપકરણો આવશે તેમ મંત્રી એ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીની ‘ટોકન નહીં, પરંતુ ટોટલ વિકાસ’ની વિચારધારાનો સંદર્ભ આપતા કહ્યું કે, દેશમાં આરોગ્ય માળખાને કેટલાક લોકો અને વિસ્તાર પૂરતા સિમિત ન રાખીને સર્વગ્રાહી બનાવવા તાજેતરમાં બ્લોક સ્તરે આરોગ્ય મેળાની શરૂઆત કરી છે.દેશના 6000 જેટલા તાલુકાઓ અને ગ્રામ્ય સ્તરે સફળતાપૂર્વક આવા આરોગ્યમેળાઓ યોજીને નાગરિકોને આરોગ્યવિષયક સુવિધાઓ અને સેવાઓ સરળતાથી પહોંચાડવામાં આવી છે. કોરોનાકાળનો ઉલ્લેખ કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે, કોરોનાની વિષમ પરિસ્થિતિઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોના પરિણામે આજે દેશમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી છે. દેશને કોરોના વાયરસની અતિ ગંભીર પરિસ્થિતિઓથી બચાવવામાં આપણે મહદ્દઅંશે સફળ રહ્યા છીએ. 135 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશમાં 97.5 ટકા નાગરિકોને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ આપવામાં સફળ રહ્યા છીએ તેમ જણાવીને ભારતનું કોરોના વ્યવસ્થાપન અને રસીકરણનું ‘ભારત મોડલ’ અન્ય દેશો માટે અભ્યાસનો વિષય બન્યું છે તેમ ગૌરવભેર કહ્યું હતુ.

ભારતના ઇતિહાસમાં ગુજરાતની ભૂમિકા ચાવીરૂપ
કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારે જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં ગુજરાતની ભૂમિકા ચાવીરૂપ રહી છે. આરોગ્યક્ષેત્રે દાયકાઓથી જે ત્રુટિઓ હતી, તેને દૂર કરવાની દિશામાં સરકારે નવતર અભિગમ દાખવીને ‘આત્મનિર્ભર ભારત’ના સુત્રને સાર્થક કરવાના સહિયારા પ્રયાસ હાથ ધર્યા છે. કોરોનાની પરિસ્થિતિઓમાં ગણતરીના મહિનાઓમાં અસરકારક હેલ્થ મેનેજમેન્ટ થકી સ્વદેશી વેક્સિનનું ઉત્પાદન કરીને દેશ અને દુનિયાને ભારતની વૈજ્ઞાનિકોની સંશોધન તાકાતનો પરચો બતાવ્યો છે. મુખ્યમંત્રી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના હસ્તે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સર્વિસ NQAS પોર્ટલ, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસીસ પોર્ટલનું લોન્ચિંગ તેમજ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે રિપોર્ટ અને રૂરલ હેલ્થ સ્ટેટીસ્ટીક્સ રિપોર્ટ અને ગુજરાત હેલ્થ એટલાસ રિલીઝ કરવામાં આવ્યા હતા.

સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું મંથનરૂપી અમૃત્ત દેશના આરોગ્ય ક્ષેત્રમાં નવા પ્રાણ પૂરશે: CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું જાણો 
• ગુજરાત સરકારે ‘PMJAY-મા યોજના’ હેઠળ 2.25 કરોડ નાગરિકોને 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ આપ્યું
• નીતિ આયોગ ઈન્ડેક્ષમાં આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રમાં ગુજરાત 86 સ્કોર સાથે તમામ મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે
• ગુજરાત સરકારની આરોગ્ય સંસ્થાઓમાં ટેલિ-રેડિયોલોજી, ટેલિ-આઇ.સી.યુ., ટેલિ-મેડિસીન અને ટેલિ-મેન્ટલ હેલ્થ સેવાઓના નવતર અભિગમ સાથે આ વર્ષના બજેટમાં રૂ.2 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાંથી પ્રાપ્ત થનારું મંથન-ચિંતનરૂપી અમૃત્ત દેશના આરોગ્ય ક્ષેત્રમાં નવા પ્રાણ પૂરશે.મુખ્યમંત્રીએ શિબિરના ઉદ્દઘાટન સત્રને સંબોધતા જણાવ્યું કે, આઝાદીનો અમૃત્ત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, જેના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ, રાજ્ય અને કેન્દ્રીય મંત્રીગણ, તજજ્ઞો દ્વારા દેશની આરોગ્ય સેવા, સ્વાસ્થ્ય ચિકિત્સા પદ્ધતિઓ, આયુર્વેદ, આયુષ, યોગને વ્યાપક અને બહેતર બનાવવા વિચારમંથનના સંયુક્ત પ્રયાસો હાથ ધરાયા છે.બદલાતા સમય સાથે ગુજરાતના આરોગ્ય માળખાને સુદ્રઢ કરી આરોગ્ય સેવાઓમાં આમૂલ પરિવર્તન કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.ગુજરાત સરકારે આરોગ્ય સંસ્થાઓમાં ટેલિ-રેડિયોલોજી, ટેલિ-આઇ.સી.યુ., ટેલિ-મેડિસીન અને ટેલિ-મેન્ટલ હેલ્થની સેવાઓ માટે બજેટમાં રૂ.2 કરોડની જોગવાઈ કરી છે, એમ જણાવી ગુજરાત સરકાર ગરીબમાં ગરીબ માનવીને પણ શ્રેષ્ઠતમ આરોગ્ય સેવા મળે તે માટે પ્રતિબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું.તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાત સરકારે PMJAY (પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-આયુષ્માન ભારત) અને મા તથા મા-વાત્સલ્ય યોજનાને જોડીને ‘PMJAY-મા યોજના’ હેઠળ ગુજરાતના અંદાજિત ૨.૨૫ કરોડ નાગરિકોને આરોગ્ય કવચ આપ્યું છે.

શિબિરમાં દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણ, નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલ, અધિક આરોગ્ય સચિવ વિકાસ શીલ, સહિત વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો આરોગ્ય કમિશનર તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના મિશન ડાયરેક્ટર હાજર રહ્યા હતા.

Back to top button